સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

શેરી નાટકનો જન્મ


શેરી નાટકનો જન્મ

વર્ષ ૧૯૮૨-૮૫. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ફદાલી વાસમાં જાતિ નિર્મૂલન સંકલન સમિતિના કાર્યકરો રોજ રાત્રે એકઠા થતા. ૧૯૮૫માં બક્ષી પંચની ૮૨ જાતિઓ માટે તત્કાલીન રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં ૧૭ ટકા અનામત રાખી. તેની સામે સવર્ણ-આક્રોશ શરૂ થયો હતો. માધ્યમો, વાલી મંડળો, બાર એસોસિએશનો, કર્મચારી મંડળો, શેરબજારો તેમની સાથે હતા. ગાંધીનગરમાં સવર્ણ કર્મચારીઓએ તોંત્તેર દિવસની રોસ્ટર-વિરોધી હડતાળ પાડી હતી. સંઘ પરિવારે હડતાળ ટકાવવા કર્મચારીઓના ઘરે જીવન જરૂરિયાતની તમામ ચીજો પહોંચાડવાની જવાબદારી લીધી હતી. સામે પક્ષે દલિત-આદિવાસી-બક્ષી પંચના કર્મચારીઓના ઉત્કર્ષ મંડળે ગાંધીનગરમાં બે લાખની પ્રચંડ રેલી કાઢી હતી. આવા ઉત્તજેનાસભર વાતાવરણમાં બામણવાદની બારાખડી શેરીનાટકનો જન્મ થયો હતો. પ્રારંભની માત્ર ત્રણ પાનાની સ્ક્રિપ્ટ લખ્યા પછી ઇમ્પ્રોવાઇઝેશનથી નાટક લાંબુ થતુ ગયું અને રસપ્રદ સંવાદો, ઘટનાઓ ઉમેરાયા હતા. ૧૪મી એપ્રિલ, ૧૯૮૭એ નાટક ગ્રંથસ્થ થયું હતું.

 મોબિલાઇઝેશનનું સશક્ત શસ્ત્ર

 એક તરફ અમદાવાદમાં બોંબ ઘડાકા થતા હોય, શહેરમાં તનાવની દહેશત હેઠળ જીવતા લોકો ઘરની બહાર નીકળતા ગભરાતા હોય એવા સમયે અમે ચાલીઓમાં નાટક કરતા. પોતાના ખર્ચે, ચાલતા ચાલતા કે બસમાં મુસાફરી કરતા. જ્યાં જ્યાં જઇએ ત્યાં લોકો પાસેથી બસભાડા પૂરતાં પૈસા ઉઘરાવી લેતાં. અમદાવાદ પછી પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, કલોલમાં નાટક ભજવ્યું. જ્યાં જ્યાં પણ રેલી કે દેખાવો યોજાવાના હોય ત્યાં ત્યાં અગાઉથી અમે પહોંચી જતા અને નાટક ભજવીને મોબિલાઇઝેશન કરતા. કલોલની રેલીમાં ભયંકર પથ્થરમારો થતા આયોજકો ભાગી ગયા હતા અને અમે પથ્થરમારાની વચ્ચે રેલીને રફેદફે થતી અટકાવીને ગંતવ્ય-સ્થાને પહોંચાડી હતી. ગાંધીનગરમાં ચ-5ના ઐતિહાસિક સર્કલ પાસે નાટક પરફોર્મ કર્યું ત્યારે અમારું ભાડુ ઉઘરાવવા "હૈ કોઈ માઇકા લાલ", કહીને રૂમાલ ફરકાવતા, સચિવાલયમાં નોકરી કરતા હોવા છતાં ડર્યા વિના અમારી પડખે ઉભા રહેનારા, ડી. કે. રાઠોડની એ દિલેર મુદ્રા આજે પણ ચિત્તમાં જડાયેલી છે.

પાટણમાં બગવાડા, દુખવાડા, મોટીસરામાં નાટક ભજવ્યા પછી પાછા ફરતા એક અત્યંત વૃદ્ધ દલિત માતાએ, " લો, પરમાર સાહેબ, મારો ફાળો", કહીને કબજામાંથી ગડી વાળેલી બે રૂપિયાની નોટ કાઢી એ હ્રદયદ્રાવક પ્રસંગ મેં સમાજમિત્રના સહ્રદયી તંત્રી નટુભાઈ પરમાર સાથેની મુલાકાતમાં વર્ણવ્યો છે, જે પાછળથી યથાતથમાં ગ્રંથસ્થ પણ થયો. અત્યારે નાટકો કરવાથી માંડીને રેલીઓ કાઢવા, આભડછેટના હજારો પ્રકારો શોધવા ફન્ડિંગ એજન્સીઓ લાખો ડોલરોની થપ્પીઓની ભયાનક લહાણી કરે છે, ત્યારે જાતિ નિર્મલનના સાથીદારોની પ્રોજેક્ટ-વિહોણી આ સંઘર્ષકથાનું મૂલ્ય હું લગીરે ઓછું નથી આંકતો.


એ સમયે પાંચસોથી વધારે પરફોર્સન્સીસ અમે કર્યા. એની વિડીયોગ્રાફી થઈ નહીં. પરંતુ, લોકોના હ્રદયમાં લાંબા સમય સુધી એના સંવાદો-સ્મરણો જીવતા રહ્યાં. આજે તા. 26મી ફેબ્રુઆરીએ બે દાયકા પછી નાટકના કલાકારો ભેગા થયા અને એક સમૂહ ફોટો પડાવ્યો. આ સફરમાં ઘણા સાથીઓ સાથે હતા. સાહિલ પરમાર, ભરત વાઘેલા, કર્દમ ભટ્ટ, દિવંગત અશ્વિન દેસાઈ, નયન શાહ, ડી. કે. રાઠોડ, અંબાલાલ પરમાર, શંકર પેન્ટર, જ્યોતિ, હસુ વોરા, જયંતી બારોટ, ડાહ્યાભાઈ પરમારે ચાલીઓ-ગામડાઓ ખુંદી ખુંદીને દલિત અસ્મિતાની જ્યોત સળગતી રાખી હતી. તેમના ઐતિહાસિક પ્રદાનની અત્રે નોંધ લેતાં ગર્વ અનુભવું છું. 

                                                                         

કલાકારો


ડાબેથી કનુભાઈ પ્રેમજીભાઈ સુમરા (૧૪-૨-૧૯૫૪), રાજેશ હિંમતલાલ સોલંકી (રાજુ) (૧૮-૮-૧૯૬૧), નવનીત હીરાલાલ રાઠોડ (૫-૮-૧૯૫૭), મનહરભાઈ કાન્તીલાલ પરમાર (૧૦-૧૧-૫૬), રાજેન્દ્ર દેવજીભાઈ જાદવ (૧૨-૯-૧૯૬૪). દિવંગત ધનસુખ રતનજી કંથારીયા (૧૬-૧૨-૬૨) અને ભરત મીન્ટુભાઈ વાઘેલા ફોટામાં નથી.

...............................


પ્રથમ અંક

પાત્રો

 સૂત્રધાર
વિદ્યાર્થી નેતા   ગદભ
પ્રોફેસર     સરસ
રાજકરણી   ચટણ
બિલ્ડર     હડપ
તંત્રી      દફન
ધર્મગુરુ    અધમ

(કૂતરાનું મહોરુ પહેરેલા છ માણસો પ્રવેશે છે. કુંડાળામાં એક-બીજાનો હાથ પકડી ફરતાં ફરતાં ગાય છે.)

" સો ટચના સુર્વણ, અમારે પિત્તળનો ના સંગ,
 કુશળતા ને ગુણવત્તાનો જીતવો છે આ જંગ.
 જો રૂંધાશે માર્ગ અમારો, સુલહનો થાશે ભંગ"

(કુંડાળું નાનું થતું જાય છે. છ જણા એકદમ નજીક આવીને બેસે છે. સૂત્રધાર આવે છે. કુંડાળાની આસપાસ આંટા મારે છે. થોડી વારે એમની તરફ આંગળી ચીંધીને....)

સૂત્રધાર:    આ છે શ્વાન બિરાદરી. મહોરાં એક, માનસ એક. ઘેટાના ટોળામાં દરેક ઘેટાની એક વિશિષ્ટ ખાસિયત છે એમ આમની પણ આગવી લાક્ષણિકતાઓ છે. એક વિશિષ્ટ રીતે લાળ પાડે છે, બીજો વિશિષ્ટ રીતે ભસે છે, ત્રીજો વિશિષ્ટ રીતે કરડે છે, ચોથો વિશિષ્ટ રીતે ચાટે છે, પાંચમો વિશિષ્ટ રીતે પટપટાવે છે, તો છઠ્ઠો વિશિષ્ટ રીતે આળોટે છે. (દરેક જણ કુંડાળુ છોડીને જુદા જુદા સ્થળે ઉભા રહી અભિનય કરે છે.) શિષ્ટ રીતે વિષ્ટા ખાતા આ પ્રશિષ્ટ પ્રાણીઓની એક વિશિષ્ટ ટેક છે. એમને સમાનતા સાથે બાપે માર્યા વેર છે. જોકે, ઇરાદો એમનો નેક છે. બામણવાદ સામે લડવું નથી, જાતિવાદ જોડે ઝઘડવું નથી, પરન્તુ કુશળતા, ગુણવત્તા, નવરચના, દેશ બચાઓ, અનામત હટાઓ, અહા-! ભાગલા પાડવાના હથિયારો એમની પાસે અનેક છે, લાળ પાડવી, ભસવું, કરડવું, ચાટવું, પૂંછડી પટપટાવવી અને આળોટવું આ બધી ક્રિયાઓ જયારે તેઓ એક સાથે કરે છે ત્યારે સર્જાતી અભૂતપૂર્વ ઘટનાને ’આંદોલન’ કહે છે. (બધા એક સાથે જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરે છે,) આવો આજે તમને છાંદોગ્ય ઉપનિષદમાં પણ ન જડે તેવી અચરજભરી શ્વાનબિરાદરીની ઓળખાણ કરાવું.

સૂત્રધાર:      (એકને ઉભો કરીને એનું મહોરું હટાવે છે.) આ છે વિદ્યાર્થી નેતા ગદભ.

વિદ્યાર્થી નેતા: અનામતના વિરોધમાં લારી, ગલ્લા, ઝૂંપડા અને બસો બાળવોનો આશ્ચર્યજનક કાર્યક્રમ.

સૂત્રધાર:      (બીજાને ઉભો કરી એનું મહોરુ હટાવે છે.) આ છે વાલી મંડળના પ્રમુખ પ્રોફેસર સરસ.

પ્રોફેસર:    અનામતના લીધે અધોગતિ પામેલા શિક્ષણની નવરચના માટે પરીક્ષાનો બહિષ્કાર.

સૂત્રધાર:      (ત્રીજાને ઉભા કરીને એનું મહોરુ હટાવે છે.) આ   જાણીતા બિલ્ડર હડપ

બિલ્ડર:      અનામતના વિરોધમાં તેરમીના ગુજરાત બંધ ટાણે ઝૂંપડપટ્ટી ભસ્મીભૂત કરવાનો કાર્યક્રમ.

સૂત્રધાર:      (સૂત્રધાર ચોથાની આસપાસ આંટા માર્યા કરે છે) આ માણસ કયારનો પોતાનો રંગ બદલ્યા કરે છે, કાચીંડાની જેમ, જરૂર કોઈ રાજકારણી હોવો જોઇએ. ડાબી બાજુથી જોતા વિરોધ પક્ષનો લાગે છે, પણ છે તો એજ. (મહોરુ હટાવતા) આપણા વિરોધ પક્ષના માનનીય નેતા પ્રખર રાજકારણી ચટણ.

રાજકારણી:  અનામતના આંદોલનો દરમિયાન સવર્ણો પર થયેલા પોલિસ દમનના વિરોધમાં વિધાનસભાની ચાલુ બેઠકનો બહિષ્કાર.

સૂત્રધાર:      (પાંચમાને ઉભો કરીને એનું મહોરુ હટાવે છે.) આ છે આંતરરાષ્ટ્રીય અફવાબજારના શેર દલાલ, દાળ-ભાત સમાચારના તંત્રી દફન.

દફન:         અનામત આંદોલનને અમારું અખબાર સંપૂર્ણ ટેકો આપે છે.

સૂત્રધાર:      (છઠ્ઠાને ઉભો કરીને એનું મહોરું હટાવે છે.) આ છે ધર્મધુરંધર પરમ પૂજ્ય સ્વામી ૧૦૦૮ અધમ.

ધર્મગુરૂ:      અનામત આંદોલનને કારણે હિન્દુ સમાજમાં પડતા ભાગલા અટકાવવા માટે કોમી હુલ્લડોનું કમઠાણ.

સૂત્રધાર:      વાહ! ઓળખાણનો અડધિયો નાંખતા જ આ મુંગા મશીનો કેવા બોલતા થઈ ગયા છે! એમના અવાજથી ફાટી પડેલી હવા મારા કાનના પડદાને લોહીલુહાણ બનાવી રહી છે. એમણે ફેલાવેલા પ્રદૂષણથી હું બેભાન બની જાઉં એ પહેલા તમારી રજા લઉં છું મિત્રો, શ્વાન બિરાદરીના એકેક શ્વાનની લાક્ષણિકતાઓ તમે જાણી ચુકયા છો. હવે વધુ નજીકથી તેમને જાણો. (સૂત્રધાર જાય છે. છ જણા પોતાના સ્થાને ઉભા છે. રેડિયો પર સમાચાર આવતા ઇંતજારીના ભાવ)

સમાચાર:   રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે સામાજિક અને શૈક્ષાણિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે બક્ષીપંચ હેઠળ આવરી લેવાયેલી બ્યાસી કોમો માટે ટૂંક સમયમાં જ અઢાર ટકાનો વધારો અમલી બનાવાશે. આ સાથે બક્ષીપંચની કોમો માટે અનામતનું કુલ પ્રમાણ અઠ્ઠાવીસ ટકા તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામતોને સાથે ગણતા રાજ્યભરમાં અનામતનું કુલ પ્રમાણ ઓગણપચાસ ટકા જેટલું થાય છે.....

વિદ્યાર્થી નેતા:લ્યો, સાંભળો, આ અઢાર ટકાનો વધારો.  સામાજિક અને શૈક્ષાણિક રીતે પછાતવર્ગના લોકો  એટલે કે....

બિલ્ડર:       આ બક્ષીપંચની બ્યાસી કોમો

પ્રોફેસર:      એમાં આ વ્યસની વાઘરાંવ

રાજકારણી:   આ માધીયાની નાતના ઠાકરડાંવ

તંત્રી:         આ જડભરત રબારાવ

વિદ્યાર્થી નેતા:એવી તો કૈ કેટલીયે બ્યાસી કોમો, આ ***ને ભીલડા ઓછા હતા તે વળી બક્ષીપંચનું નવું લફરું ઘાલ્યું.

પ્રોફેસર:    ના ચાલે, આ તો પ્રત્યાઘાતી પગલું છે. કોમ્પ્યુટર યુગ એકતરફ આવી રહ્યો છે, એકવીસમી સદીમાં જવા સૌ તત્પર  બન્યા છે. યુવાન વડાપ્રધાન નવીન આશાનું ઝળહળતું પ્રતીક બનીને આવ્યા છે. ત્યારે અહીં ગુજરાતમાં તો ગુણવત્તાનો ઘડોલાડવો કરવા બેઠા છે આ લોકો.

બિલ્ડર:    ગુણવત્તાનું તો સમજ્યા, પ્રોફેસર, મને ડર એ વાતનો છે, કે આમાંથી તો આખા ગુજરાતમા વર્ગ-વિગ્રહ ફાટી નીકળવાનો. આપણી બામણ, વાણિયા, પટેલ જેવી ઉપલી જાતિઓનું આર્થિક વર્ચસ્વ ખતમ થઈ જશે. શું આ આપણી પુંઠે સાવરણોને ગળે ફુલડી ભરાવવાનું કોઈ મહાભયંકર ષડયંત્ર તો નથી ને?

પ્રોફેસર:      ના ચાલે, કઇંક તો કરવું પડશે. નહીંતર આ લોકો આપણને કચડી નાંખશે.

તંત્રી:         જો કઈં પણ કરી શકે એમ હોય તો એ નવી પેઢી જ છે.

બિલ્ડર:       શું કરશો વિદ્યાર્થીનેતા તમે?

વિદ્યાર્થી નેતા: શું કરશો એટલે? બોલો, કેટલી બસો બાળવી છે? કેટલા લારી, ગલ્લા અને ઝૂંપડાં સળગાવવાં છે? કેટલા કલાક સતત ઍસિડબલ્બ અને પથ્થરમારાનો વરસાદ વરસાવવો છે? ગુજરાતના સર્વણ વિદ્યાર્થીઓએ કઈં બંગડીઓ નથી પહેરી.

બધા:         એટલે તો અમને માન છે તમારા ઉપર.

વિદ્યાર્થી:      પ...ણ એક વાતે અમે કાચા પડીએ એમ છીએ.

બિલ્ડર:       કઈ?

વિદ્યાર્થીનેતા: અમે કઇં પણ કરીશું તો નાનાં, નાદાન બાળકોમાં ખપીશું, એટલે અમારે વાલી જેવું......

બિલ્ડર:       કરેક્ટ! આંદોલનનો વ્યાપ વધારવા એકાદ વાલી મંડળ જોઇએ. યુવાનોને જીતવા થોડું મેરીટ ફેરીટનું ડીમડીમ ચલાવવું પડે. પણ વાલીઓને સાથે લેવામાં ઝાઝી મુશ્કેલી નથી. એમાંના કેટલાક વળી બાપુના સમયના હશે. અસ્પૃશ્યતા નિવારણનો મર્મ પણ જાણતા હશે. એટલે, વાલી મંડળના પ્રમુખ બનાવી દઈએ પ્રોફેસર સરસને!

તંત્રી:       ભલે એમને બાળકો ન હોય, આપણા બાળકો એમના  જ બાળકો છે ને?

પ્રોફેસર:      બધાની ઈચ્છા છે તો મને પ્રમુખ બનવામાં લગીરે હિચકિચાટ નથી. આમ પણ હું કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવું છું હવે એમના વાલીઓને ભણાવીશ, પણ અનામતનું એવું છે, કે એની પાછળ દેશ આખાનો સમજુ બુદ્ધિજીવી વર્ગ કેડ બાંધીને ઉભો છે અને બંધારણીય જોગવાઇઓ ઠીકઠીક સંગીન છે, અલબત્ત હું એની પરવા કરતો નથી. સમજદાર લોકોની અપીલો અને વિનવણીઓને ટોળાના ઘોંઘાટમાં ડૂબાડી દઇશું અને બંધારણ તો છે એક ગાજરની પીપુડી. વખત આવ્યે એની પર (એક પગ ઉંચો કરીને કૂતરાની જેમ મૂતરવાનો ચાળો કરે છે) સમજ્યા તમે? (બધા હસે છે) મારે માટે મોટી મૂંઝવણ નાણાની છે. આટલું મોટું આંદોલન ચલાવવા માટે...

બિલ્ડર:       કેટલા જોઇએ છે, પ્રોફેસર? તમારા જેવા સંનિષ્ઠ માણસોને ટેકો કરવા અમારા જેવા બિલ્ડરો પાસે મબલખ કાળું નાણું છે. યુ  સી, તમારું આંદોલન શરૂ થશે એટલે બંધના એલાનો, પથ્થરમારો, ટીઅરગેસ, લાઠીચાર્જ, ગોળીબાર, કરફ્યુ, સ્ટેબીંગ બધું જ ક્રમશ બનશે. ખુરશી પર બેઠેલા કે બેસવાની તૈયારી કરનારા બધાયના હિતમાં ને ધર્મગુરૂના આશાર્વાદથી કોમી હુલ્લડનું કાતિલ કમઠાણ થશે. એની આગમાં પેલી ઝુંપડપટ્ટીઓ ભડભડ ભડકે બળશે. ગંદા ગોબરા ઝુંપડાવાસીઓ બધા ઉચાળા ભરી જશે એટલે ખાલી જમીનો કોને મળશે?

પ્રોફેસર:      તમને બિલ્ડર હડપને સ્તો!

બિલ્ડર:      હં, એની ઉપર ભવ્ય વિશાળ ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર કોમ્પલેક્ષ, દુપ્લેક્ષ, મંદિર, બાલમંદિર શું શું નહિ બને? કરોડોનો બીઝનેસ છે, પ્રોફેસર, એટલે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવામાં બિલકુલ લોસ નથી.
પ્રોફેસર:      તેમ છતાં એક મુદ્દો બહુ મહત્વનો છે.

બિલ્ડર:       કયો?

પ્રોફેસર:      તમે જાણો છો આજકાલ આંદોલન કોણ ચલાવે છે?

બિલ્ડર:      હા, હું જાણું છું આજકાલ આંદાલનો એ ચલાવી શકે છે, જેમને લોકોના પૂર્વગ્રહો, ગેરસમજો, સેન્ટીમેન્ટસ બધાની પરખ હોય. એવો બાહોશ, કોઠાસૂઝવાળો માણસ કે જે એક સેકન્ડમાં વાતાવરણ ચાર્જ કરી નાંખે. ઉકળતા તેલમાં પાણીના બેચાર ટીંપા નાંખવા માટે બહુ મોટા ગટ્સ જોઇએ. સાવચેતી ના રખાય તો ટીંપા નાખનારને જ ફોલ્લા પડી જાય. જો કે આ ફીલ્ડનો બહુ લાંબા સમયનો અનુભવી, પાકટ અને પહોંચેલો માણસ છે આપણી પાસે.

પ્રોફેસર:      કોણ?

બિલ્ડર:       દાળભાત સમાચારના તંત્રી દફન.

તંત્રી:         હા, હું બેઠો જ છું. તમે ચિંતા કેમ કરો છો? જુઓ, તમે નારણપુરામાં એક બસ પણ બાળશો તો, હું વિના વિલંબે છાપી દઇશ કે "વિસ્તરતું જતું આંદોલન", આમેય પાંચ પચીસના ટોળાને પાંચ હજાર કે પચ્ચીસ હજારનું બનાવતાં મને કયાં નથી આવડતું? તમારું કામ એટલું જ કે રોજ પ્રેસનોટ ઝીંક્યે રાખવાની, "અમે ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક લડત ચાલુ રાખીશું", બાકીનું બધું હું સંભાળી લઇશ. સવર્ણ સમાજના મધ્યમ વર્ગને ઉશ્કેરવો એ તો મારા માટે ચપટીનું કામ છે.

પ્રોફેસર:      એબ્સોલ્યુટ્લી રાઇટ, કરોડરજજુ વિનાનો મધ્યમ વર્ગ કાયમ નવનિર્માણ આંદોલન જ ચલાવે એવું થોડું છે? તંત્રીશ્રીની શક્તિઓ પર આપણને ભરોસો છે, પણ જો જો કોઇને આની ગંધ ન જાય.

તંત્રી:         ગંધ તો શું, તમે હિટલરના પ્રચારમંત્રી ગોબલ્સને પણ ભૂલી જશે.

બિલ્ડર:      વાહ! ગુજરાતના ગોબેલ્સ આપણી સાથે છે, એટલે જ્ઞાનતતુંના યુદ્ધમાં આપણો વિજય નક્કી છે. પણ પેલા ઑગષ્ટ હાઉસમાં બૂમરાણ મચાવનારા, શતરંજના ખેલાડી, શબ્દપટુ રાજકારણી ચટણ વિના આપણો મધ્યસ્થી કોણ થશે?

રાજકારણી:   (હાથ જોડીને) આપણા દેશની મહાન લોકશાહી, ભવ્ય સંસ્કૃતિ...

બધા:        ભાષણ નહીં. નો પોલિટીક્સ. સીધેસીધી વાત કરો. સે યસ ઑર નો.

રાજકારણી:  શાંતિ જાળવો, મારા અસહિષ્ણુ મિત્રો! આકરા થવાની જરૂર નથી. મારે તો ફક્ત એટલું જ કહેવાનું છે કે, બધા દબાયેલા, કચડાયેલા વર્ગો માત્ર સત્તાધારી પક્ષની જ નહીં, અમારી પણ વોટબેંક જ છે.

ધર્મગુરૂ:      અરે, મૂઢમતિ રાજકારણી! તને વોટબેંકની જ પડી છે. બેવકૂફ, અહીં વિધર્મીઓ વકરતા જાય છે, હિન્દુઓ દબાતા જાય છે, સંસ્કાર, શીલ, તપ અને તેજ નષ્ટ થઈ રહ્યા છે. કાળગ્રસ્ત વર્ણવ્યવસ્થા, નિર્માલ્ય પ્રજા અને અધર્મીઓના અનાચાર વચ્ચે સાધુસંતોનો કોઈ ભાવ પૂછતું નથી.

રાજકારણી:   (હાથ જોડીને) મહારાજ, અધમ, બંધારણ મુજબ આપણો દેશ બિનસાંપ્રદાયિક છે.

વિદ્યાર્થી નેતા: મિસ્ટર, અત્યારે તમે અમને ટેકો આપવા માંગો   છો કે નહીં તેટલું જણાવો.

રાજકારણી:   જુઓ, જાહેરમાં મારાથી આંદોલનને ટેકો આપી શકાય એમ નથી.

બધા:         એટલે?

રાજકારણી:   જાહેરમાં ટેકો આપું તો ચૂંટણી ટાણે પથરા પડે.

બિલ્ડર:       પથરા ખાવા પડે.

રાજકારણી:   સમય નાજુક છે. વગર વિચાર્યે બોલવામાં જોખમ છે.

વિદ્યાર્થી નેતા: નહીં બોલવામાં પણ જોખમ છે.

રાજકારણી:   સમજુ છું, એટલે સ્તો એક બાબતે પ્રોમીસ આપું છું, જ્યારે જ્યારે તમારા ઉપર પોલિસદમન થશે ત્યારે ત્યારે એનો તમામ વિરોધ કરવા હું અને મારા મિત્રો ખડે પગે હાજર રહીશું.

બધા:         પુરતું છે! ઇનફ! ઇનફ!

રાજકારણી:   અંદર ખાનેથી તો અમે તમારા જ છીએ.

(બધા હસે છે.)

પ્રોફેસર:      બોલો, કાલથી અનામત આંદોલન શરૂ કરીએ.

બધા:         હા, હા, ચાલો...

વિદ્યાર્થી નેતા: પત્થર મારો...

બિલ્ડર:       ઝુંપડપટ્ટી હટાવ...

તંત્રી:         પ્રેસનોટ...

રાજકારણી:   વૉકઆઉટ...

ધર્મગુરૂ:       કોમી હુલ્લડ...

(બધા ગાંધીની પ્રતિમા પાસે જાય છે.)

પ્રોફેસર:   ચડાવો મહાત્મા ગાંધીના પૂતળાને હાર, કરો આંદોલન શરૂ અને લ્યો પ્રતિજ્ઞા, કે

બધા:         બાળીશું બસો,
               સળગાવીશું ઝૂંપડા,
               કોની દેન છે બોલે,
               આ ગાંધીના ગુજરાતમાં. 

         (પ્રોફેસર ગાંધીના પૂતળાને હાર ચડાવે છે, ધર્મગુરૂ આશીર્વાદ આપે છે. બધા પૂતળાને પગે લાગે છે. પૂતળાને પ્રાણ આવ્યો હોય એમ એ પણ ધર્મગુરૂને પગે લાગે છે.)

બધા:         બોલો મહાત્મા ગાંધી કી જય, અનામત હટાઓ, દેશ કો બચાવ. વી વૉન્ટ જસ્ટીસ.  (જાય છે.)

સમાચાર:    ગુજરાતમાં અનામત વિરોધી આંદોલનને કારણે ફાટી નીકળેલી હિંસાખોરીએ વધુ અગિયાર માણસોના ભોગ લીધો હતો. અમદાવાદમાં એક ટોળાએ ચાર બસો સળગાવી મૂકી હતી. નરોડા અને બાપુનગર વિસ્તારોમાં કેટલાક ઝુંપડાઓ સળગાવવામાં આવ્યા હતા. દિવસ દરમ્યાન પરિસ્થિતિ  એકંદરે કાબુ હેઠળ રહી  હતી.

ત્રિવેદી:       ઓ પટેલ!

પટેલ:        આવને ત્રિવેદી, શું ચાલે છે, બોલ,

ત્રિવેદી:      યાર, આ કરફ્યુમાં તો બહુ બોર થઈ જવાય છે એટલે જરા લટાર મારવા નીકળ્યો’તો આજે બાજુ, (ગભરાતા) તું જરા ગલીમાં નજર રાખતો રહે હો, પેલો ખાખી આ બાજુ ના આવે પાછો.

પટેલ:        તું બી ત્રિવેદી સાલ્લા ફટટુ એમ ડરવાથી ન ચાલે, બોલ શું ચાલે છે બીજું?

ત્રિવેદી:       અબે યાર, અનામત વિરોધી આંદોલનનો મૉનિયા પૂરબહારમાં છે દોસ્ત.

પટેલ:        માસ પ્રમોશન તો નક્કી જ ને?

ત્રિવેદી:       પાછું સાવ મફતમાં જ!

પટેલ:        અબે ઓય શાનું મફતમાં? પથરા મારીને બાવડાં રહી ગયાં છે બાવડા.

ત્રિવેદી:       બોસ, પરીક્ષા જેટલી તો મહેનત નહીં જ ને?
પટેલ:        ખરૂં ખરૂં 

ત્રિવેદી:     યાર. પરીક્ષા બરીક્ષાને માર ગોલી, આ બોંતર કલાકનો કરફ્યું હળવો થયો છે એનું કઇં  વિચાર્યુ?

પટેલ:        શું વિચારવાનું?

ત્રિવેદી:       કઇંક કરવાનું?

પટેલ:        શું કરીશું?

ત્રિવેદી:       કઇંક સળગાવવાનું?

પટેલ:        શું સળગાવીશું ?

ત્રિવેદી:      અરે યાર! કઇં પણ ઝુંપડાં-બૂંપડા. આ બાજુથી પેલા *****નાં ઝુંપડાં છે તે એ સળગાવવા છે બોલ?

પટેલ:        પેલા ટેકરા ઉપર છે એને? અરે, બોસ આપણા આ પોસ એરીયા માટે તો બિલકુલ ન્યુસંસ છે. હું તો જ્યારે જ્યારે પણ ત્યાંથી નીકળું છુ તો મારે નાકે રૂમાલ મૂકી દેવો પડે છે. ડર્ટી! વેરી ડર્ટી!

ત્રિવેદી:       બોસ, આજે રાત્રે એ ગંદકી સાફ કરી નાખીએ. પેટ્રોલ બોંબ અને સળગતા કાકડા નાખી દઇએ. 

પટેલ:       વંડરફુલ પ્લાન, બોસ જો તું તારા સોસાયટીના બધા પેલો રોકલો, રાજિયો, નીલેશીઓ, બધાને લેતો આવજે, ચલ પતાવી દઇએ આજે જ.

ત્રિવેદી:      તે મારી સોસાયટીના નામ ગણાવ્યા, પણ તારા ફલેટના પેલા પંકજ, જીતુ, બકો ને તારાવાળીનો પેલો ટીપુડો બધાયને લેતો આવજે. ને પેલા ભાસ્કરને ભૂલતો જ નહી, સાલો બહુ ફાંફા મારે છે. કોલર ઉંચા રાખીને ફરે છે. આજકાલ.

પટેલ:        હા હા, તું પણ ભુલતો નહીં. જો જે મારે પછી બંગડીઓ મોકલવી ના પડે હોં. આવ, જરા મસાલો બસાલો ખાઇએ.

બન્ને:        એમ માધિયા, બે મસાલા આપણા, જલદી, બે ચાર્મ્સ છે?

                       (બે વેપારી પ્રવેશે છે.)

મૂલચંદાની:   આવો કરોડીમલ, શેઠજી! કૈસે હો?


કરોડીમલ:   સુઠ્ઠો, સુઠ્ઠો, મૂલચંદાનીજી! તુમેરેકુ કૈસો ચલ રીયો? સબ ઠીકઠાક હૈ ન, સાંઈ?

મૂલચંદાની:  અરે શેઠજી યે અનામત કી બબાલ બહોત બઢ ગઈ હૈ. તુમ્હારા માલ ગોદામ મેં તો સડતો નહી રહા ના? ઇસ કરફ્યુમેં ગાય ભેંસ કો ખીલા દો થોડા પુન ભી મિલ જાયેગા.

કરોડીમલ:   ક્યા બાત કરતે હો સાંઈ? ઇસ કરફ્યુ કા ફાયદા લેકર દામ ભી દોગુના બઢા દિયા હૈ ઔર એક એક કિલો ઘઉં લેનેવાલે ભી બોરીયા ભર ભરકે લે ગયે. હમેં તો બહોત ફાયદા હુઆ. મગર તેરે તેલ કે ડીબ્બો મેં ચૂહે તો નહીં પડ ગયે ના?

 મૂલચંદાની: હમકુ તો તુમસે ભી જ્યાદા ફાયદા હુઆ હૈ, શેઠજી. થોડી દેર પહલે કરફ્યુ ખુલા તો સબ બીક ગયા, વો ભી બ્લેક મેં. એક એક કિલો લેનેવાલે ભી ડિબ્બા કા ડિબ્બા ઉઠા ગયે. ચૂહો કે લિયે એક ટીપા ભી નહીં બચા. યે અનામત બબાલ મેં હમ તો હો ગયે માલામાલ.

કરોડીમલ:   ઐસા આંદોલન સાલ મેં એક બાર તો આના ચહિયે.

મૂલચંદાની:   એક બાર નહીં, શેઠજી, દસબાર.

 બન્ને:        અનામત આંદોલન ઝીંદાબાદ! અનામત આંદોલન ઝીંદાબાદ! (જાય છે.)બે

પાત્રો
છનાભાઈ
કાળુજી
ભીમસીંગ
પરમાર

(કાળુજી અને છનાભાઈ પ્રવેશે છે.)

છનાભાઈ:    એ કાળુજી, આમ ચાં ડાફેડા મારો છો, દરબાર!

કાળુજી:       એ રામ રામ, છનાભાઈ.

છનાભાઈ:    અલ્યા ભૈ મું તો ખોળી ખોળી ન થાકી જ્યો ખેતરે ગયો તો ખેતરે નૈ. ઘેર ગયો તો ઘેર બી નૈ આમ ચાં ભટક ભટક કરો છો, કાળુભા?

કાળુજી:       ભૈ, આખો દન ચોરામાં બેહો રહું સું. આ દાડી મલે તો જઇએ, નૈતર બેઠા તોં જ અઠે ધારકા. બોલો?

છનાભાઈ:   આ અનામત. ચારે બાજુ એકની એક જ વાત ચાલે છ ઇની. હવારે કોઈ છાપું વાંચ તો અનામત. રેડિયો ઓલીન પર મેલ્યો તો એમાંય અનામત: બાજુમાં સાયેબ છ એમના ઘરમાં ટેલીવીજન છ તો ત્યાં જઇને જુઓ તે ઇમય અનામત. એ અનામતમાં  એવું તે છ શું? મન તો કસોય હાંધો પડતો નહીં કે’સ એ ***** બધુ બોઉ લઈ જ્યા. ન બિચારા સરવણો કોરાધારકો રહી જ્યા. આ તો જબરો વરગ વિગર ફાટી નીકળ્યો છ, કાળુજી.

કાળુજી:     આપણે તો છનાભાઈ, અનામતમાં ઝાઝુ હમજીએ નૈ. આ અનામત ન દિયોર ભાળી સ જ કુણે? એ તે જાડી જબરી સ ક પાતળી સ, લામ્બી સ ક ટુંકી સ,  કાળી સ ક ધોળી સ? આપણ તો કાંઈ હમજીએ નૈ. એક વાતની ખબર સ. આ અમારી નાતવાળો કોક દિયોર જાધવસી ત્યાં ગાંધીનગરમ ગાદીએ બેઠો સ’ એ આ સરવણોની આંશ્યુમ કણાની જયમ ખુંચ સ, લો ઇની એક વાયકા તમન કઉં.

છનાભાઈ:   કો?

કાળુજી:      હુંઢીયા ઉનાવાનું નામ હાંભળ્યું સ?

છનાભાઈ:   ચયું? હુંઢીયા ઉનાવા? એ તો મારી હાહરી થાય. મન ખબર છ. ઘોડે ચડીને મું પૈણવા ગયો’તો ત્યા, મારી હાહરી!

કાળુજી:      હારુ તમારી હાહરી, મેલો રાડ. પણ મું વાત કરતો ’ તો અનોમતની. હુંઢીયા ઉનાવામાં આ દિયોર પાટીદારોની વકરેલી વેજાએ અમારા જાધવસીની ઠાઠડી બાળી.....

છનાભાઈ:     જીવતે જીવત ઠાઠડી ભેગો બાળી ફુટ્યો?

કાળુજી:       ના’લ્યા. ગાભા ન ડુચા ભેગા કરીને મોંય ઘાંસતેલ રેડયું અસ.

છનાભાઈ:    એમ કો’ન તાર. મારવાની તાકાત ના હોય, એટલ બચારા આટલથી હરખાય.

કાળુજી:      તે ભૈ, અમારા ઠાકોરભઈ હંધાય આ હાંભળીન દોડયા ખભે ધારીયા મૂકી ન. હુંઢીયા ઉનાવાના પાદરમ જઇને જોયું તો ભખ ભખ કરતાકન ઠાઠડી હળગ્યે જાય. માળુ પંદર વીહ જણ બેઠા’તા તાપણું કરતા હોય ઇમ, કોકે પૂછયું, "લ્યા, હું કરો સો? તો કે’ જોતા નથ? આ જાધીયા ઢેડની ઠાઠડી બળ સ." ઠાકોરોને તો હાંભળીને અંગે અંગમ ઝરાળ લાજી. એ તો બેઠા ત્યાં કણ જ અડીંગો લજાઈ. કેસે, "દિયોર, કોગળો આલો, આ તમારા બનેવીની ઠાઠડી બાળી તે અવ કોગળો આલો. એ વગર અમે ઉઠવાના નૈં." મારું બેટું કોઈ બોલ ન ચાલ. તો કે’, "કાગળો ના આલો તો કાંય નૈ, ગાંમ જમાડો, વાડી વસ્તી ન ભેજી કરીને ખવડાવો."

છનાભાઈ:      ભારે કરી!

કાળુજી:      તે ભૈ પછ ઇમના ઘૈડીયા આયા.
છનાભાઈ:    હોવ પેલા લબડી જયેલા.

કાળુજી:     એ આયા ન ચેટલાય ખોળા પાથર્યા, કેસ, "દરબાર, ભૂલ થઈ ગઈ, આ છોકરાંવ નાદાન સે," ઠાકોર કે, "નાદાન હોય, તો લખોટીયું રમ, ઠાઠડી બાળવા હું કામ જાય? અમાર કોંઈ હાંભળવું નૈ કોગળો ના આલો તો, ગાંમ જમાડો. ન ઇય ના કરવું હોય તો અમન આલી દો રૂપિયા હજાર રોકડા અમે ગાંમ જમાડશું ઘુમાડાબંધ!"

પરમાર:     પછી?

કાળુજી:       પછી ઓકાયા હજાર મુંબઇગરા.

પરમાર:       ઠાકોરોએ એનું શું કર્યુ?

કાળુજી:     વાત જ ના કરશો, શેમમાં જઈ મહુડાનો દારૂ    ગાળ્યો. પહેલી ધારનો લહલહતો. ઉપર બકરો કાપીને ખાધો. એય જલસો કર્યો... (પરમાર પ્રવેશે છે.)

પરમાર:      ખોટું કર્યુ. સાવ ખોટુ. પાટીદારોને એટલું જ કહ્યું હોત, કે પંડે ખેડૂતના દીકરા થઈ શહેરના લોકોની વાદે કેમ વાયરે ભરાયા છો? ખેડૂતોના સવાલો ઉકેલવા માંથા ફોડો કઇંક લેખે લાગશે.

કાળુજી:     ભલભલાની ડાગળી ચસકી જાય એવો સમો સ પરમાર.

પરમાર:    પણ, કાળુજી આ ઠાકોરો ઠાવકા ક્યારે થશે? ઠાકોરશાહી ગઈ ને પાછળ ઠાઠમાઠની ઠાઠડી મૂકતી ગઈ છે. એ કેમ સમજતા નથી? દારૂ પીવામાં ને દેવા ચૂકવવામાં પડીને પાઘર થઈ ગયા  ને એમની જ  મૂડી પર મેડીઓ બનાવનારા આજે દાંત કાઢે છે. પૂછે છે, ’કેમ છો દરબાર? ક્યાં ગયા ઘરબાર?

કાળુજી:     કે’વા દો, કે’વા દો. એ કે’નારાઓન ઘરબાર વગરના કરીએ તો અમે છત્રીના બચ્ચા નૈં.(મૂછો ચડાવે છે)

પરમાર:     હવે એમ મૂછોના અંકોડા ચડાવો માં. આ મૂછો પર હવે લીંબુ તો શું......

છનાભાઈ:     લેંબુડીય ઠરતી નહીં.

પરમાર:      કાળુજી, સાપ ગયા ન લીસોટા રહ્યા... ઘોડા ગયા ને લગામ હાથમાં રહી...

છનાભાઈ:      તબડક, તબડક..

પરમાર:      તલવાર ગઈ ને મ્યાન હાથમાં રહી...

છનાભાઈ:   ઘીનચાક્ ઘીનચાક્, વેળા કવેળા જોયા વના બસ ઘીનચાક્ ઘીનચાક્ (હાથથી તલવાર ફરેવવાનો ચાળો કરે છે)

પરમાર:   તમને બંને જણાને એ ખબર છે, કે ત્યાં અમદાવાદમાં શાની હોળી  સળગી છે?

છનાભાઈ:   ના, ભઈ, પણ પેલા પટેલકાકા કે’સ તમારી નાતવાળા બઉં આગળ વધી ગયા છ ન બિચારા સરવણો પાયમાલ થઈ ગયા છ એવી કઇંક.....

કાળુજી:       ચોરામ વાત થતી’તી  ખરી હો.

પરમાર:   એ લોકો બહુ આંટીઘૂંટીવાળા ચાલે છે એમનું કહેવાતું આંદોલન આમ તો આપણા બધાની સામે, પણ આપણને એનો અણસાર સુદ્ધાં નથી. મુઠ્ઠીભર હોવા છતાં લુચ્ચાઇના લીધે કેવા લીલાછમ છે! હજુ કોઈ લસરકો એમને પડ્યો નથી. અમને એક બાજુ લઈ જઇને કહેશે, ’પેલા ઠોળિયા જેવા ઠાકોરો ને વંઠેલા વાઘરીઓને લેવાદેવા વગર મળતી અનામતો સામે જ વાંધો છે. જ્યારે તમને બીજી બાજુ લઈ જઇને કહેશે, ’આ ***** જોડે ક્યાંથી બેઠા? એ તો તમારાથી હલકા !

કાળુજી:        એવું કે’સ ખરા, હે!

છનાભાઈ:   અમારા મેલ્લામ આવીને અમારા લોકોનય ચડાવ છ પરમારની નાતવાળા હામ લડવા માટ. દારૂના પીપડાય ખાલી કરી જાય છ.

પરમાર:     મારે એ જ કહેવાનું છે  આપણા સરખી ગરીબ, પછાત, અભણ કોમમાં મેં હજુ સુધી કોઈ ટાટા કે બિરલા, કોઈ કસ્તુરભાઈ કે જગતશેઠ જોયો નથી. છનાભાઈ, ત્યાં અમદાવાદની માર્કેટમાં છે તમારા બાપદાદાની કોઈ પેઢી?

છનાભાઈ:   મારા કાકાની માણેકચોકની મઈ ફુટપાથ પર દાંતણ વેચવાની પેઢીં છ ખરી, કાળુજી.

પરમાર:     કાળુજી, છે તમારો નવરંગપુરામાં દસ વીસ લાખનો બંગલો, ગાડી ને વાડી?

કાળુજી:    પાડાની કાંધ જેવી જમીન હતી અમારી, એય દિયોર પાટીદારોએ પડાઈ લીધી, અંગુઠા કરાઈ કરાઈ....

પરમાર:     તમારી તો જમીન હતી ને ગઈ ને છનાભાઈ જેવા નદીના ભાઠામાં તડબૂચ પકાવીનેય જીવન ગુજારે, પણ તમારાથી કોઈ અભડાઈ તો નહીં ને? તમારા આપેલા પૈસાને છાંટો પાણી નાંખીને જ કોઈ લે એવું તો નહીં જ ને? હજુ અમારો વાસ ગામના છેક છેવાડે સાવ અલગ અને અલાયદો....

કાળુજી:       *****વાડો.

પરમાર:     હોટલમાં અમારા માટે ચાના કપરકાબી અલગ, તૂટેલી દાંડીવાળા, ચપ્પણીયા. થુવેરીયાની ઓથે કે ઝાડની બખોલમાં મૂક્યા હોય. જાતે જ સાફ કરીને ચા લેવાની. હોટલનો માલિક પાછો હોય કોક તમારી જાતનો ઠાકોર. અદ્ધારથી જ ચા રેડે.

કાળુજી:     નીચે..નીચે...(ચા રેડવાનો ચાળો કરે છે.)

પરમાર:   ગામમાં કોઈનું ઢોર મરી જાય એટલે વાસમાં આવીને પટેલ કહે, એ ચોદીના મેઠીયા, આ ઢોર તાંણી જાજે.’ જીંદગી આખી ગાયના ઘી દૂધ, માલ-મલીદા એમણે ખાવાના ને મરી જાય  એટલે ખાલી ખોખલા ખેંચવાના?


કાળુજી:     હં, ઇમની મા મરી જાય તાંણ ચમ નૈ બોલાવતા?

 ભીમસીંગ:   તમારા લોકો તો શહેરમાં આવી ભણ્યા ગણ્યા ને સાહેબ પણ બન્યા. મારો આદિવાસી હજી નગર, ગામ, સીમને પેલે પાર, જંગલને ડુંગરનો નિવાસી. અમે જંગલના સંતાન, ધરતી અમારી મા. આજે જંગલના અધિકારીઓ, કંત્રાટીઓ ને શાહુકારો અમારું લોહી પીવે, ઉપરથી પોલીસ પાર્ટી જુલમ કર. સામા થઇને તો છાપાવાળા અમને જ ’ચંબલના ડાકૂ’ કહે.
પરમાર:      સવર્ણોના મિથ્યાભિમાન અને ધનવાનોના આર્થિક હિતમાં ચગદોળાતી આ ચોથી સત્તા! બદમાશ બુર્ઝવા લોકશાહીની નપાવટ પેદાશ!

છનાભાઈ:    બુઝરવા ! આ બુઝરવા શું છે પરમાર? માટલાનું બુઝારું?

પરમાર:       બુઝરવા એટલે મૂડીવાદી.

કાળુજી:     વાણિયાવાદી કો’ન દિયોર. આંય મેહોંણાની ગુજરાતી ગળથૂથી મ શીસ્યા સ ન ઇંમ આવું લપલપીયું બુઝરવા ટપકી  પડ તે ગળચિયાં ના ખઇએ તો હું ખઈએ? મારું હાળુ બુઝારું. તું કે’ન ભીમસીંગ તારી વાત. પછે આ બુઝારાને તો એક અડબોથમ સીધું કરે.

ભીમસીંગ:   નદીઓ પર બંધો બાંધનાર અમે. કુવા, વાવ, તળાવ ખોદનાર અમે. આ રસ્તાઓ, રાજમાર્ગો, મકાનો, મહેલો અમારા લોહી અને પસીનાથી બાંધનાર પણ અમે અને આજે અમારા જ  સંતાનો નાગાપુગા, લાચાર અને વિવશ.

        આ દેશની આઝાદીની લડતમાં અમારા સંથાલ, મુંડા, ભીલ, કોળી કૈં કેટલાય આદિવાસી ખપી ગયા. પરતું રાજઘાટ પર રોજ મગરના આંસુ સારનાર સિતમગરોએ અમારી બેહાલી છુપાવવા વિકાસ અને પ્રગતિના ઢોલ વગાડવા સિવાય બીજું શું કર્યુ છે? અમારે મન તો "દિકુ"નો રંગ જ બદલાયો છે. ધોળામાંથી ઘઉંવર્ણો બાકી  એ જ બંદૂક, એ જ કડપ, એ જ દમન ને એ જ બંધુત્વ-ભાઈચારાનું દંભી, દહીં દૂધિયું નાટક!

        ત્યાં નગરમાં અમારો આદિવાસી ભૂલો ભટક્યો આવી ચડે ને રસ્તો પૂછે, તો શહેરનું લોક એને ટપલીઓ મારે, ધોતિયું ખેંચે, ’મામો, મામો’ કહીને હડસેલા મારે ને ગોકીરો મચાવે.

કાળુજી:     પણ ભેમડા, તારી નોતનો કોક ગાંધીનગરમ પરધાંન બન્યો ઇનું હું?

ભીમસીંગ:    મારી નાતવાળો પરધાન બને કે વડો પરધાન બને જગંલના વરૂઓ તરફ એની બંદૂક તકાવાની છે ખરી?
છનાભાઈ:    હં. યાદ આયું ખરું? આ પરમારની નાતનો કોક અભાગીયો આપણા દેશનો લશ્કર પરધાન બનેલો એકવાર. આપણે પાકિસ્તાન હાંમે જીત્યા તાર ઇન મોટી ભવાની તરવાર હાથ પકડાઈ’તી તને કાળુજી યાદ છ? મેં એનો ફોટો છાપામાં બતોયો’તો ? બીજી બાજુ, આંય રોજ પરમારની નાતવાળાના ખૂન થાય ચાં, ચાં પરમાર ખબર છ?
પરમાર:      બેલચી, પારસબીધા, જેતલપુર, ગોલાણા.......

છનાભાઈ:    હાળુ ચારે બાજુ આવી હોળી હળગી હોય ન તમે લશ્કર પ્રધાન થાવ ક લાટ ગવંડર થાવ, સમાજનું દુ:ખ થોડું દૂર થાય?

ભીમસીંગ:   આઝાદીનો ભ્રમ ટકાવવા એમણે જ આપેલા અનામત ટુકડા હવે એમને જ ખૂચે છે, કહે છે, "તડવી, ગામીત, ચૌધરી સાહેબ બની ગયા સચિવાલયમાં પાની પિચકારીઓ મારીને બગાડી મૂક્યા પાયખાના."

છનાભાઈ:   અનામત હટાવવાથી સરવણોને શો ફાયદો થવાનો, પરમાર?

પરમાર:      ફાયદો? ફોગટની મહેનત છે. રહ્યા સહ્યા સદભાવ ને ભાઇબંધીના તાણા પણ તૂટી જશે ને પરસ્પરના ધિક્કારનું ઝેર વધુ ને વધુ ઘુંટાશે. મૂળ વાત એમ છે, કે આજકાલ બેકારી છે બેસૂમાર. અનામત હોય કે ન હોય છોકરાઓને નોકરીના જ ફાંફા છે. એક જગ્યાએ માત્ર દસ જ માણસોની જોગવાઇઓ હોય, છતાં એના ફોરમ ભરાય છે દસ હજાર.

છનાભાઈ:     દસ હજાર?

પરમાર:      હા, માત્ર દસ જગ્યા માટે દસ હજાર ફોર્મ ભરાય છે. સરકારી ઑફિસો, બેંકો, રેલ્વે, તાર, ટપાલ બધે ઠેકાણે યુવાનોના ધાડાના ધાડા પહોંચી જાય છે. હવે દસ જગ્યામાંથી એક જગ્યા અનામત હોય કે ના હોય ફોરમ ભરનારા દસ હજારમાંથી નવ હજાર નવસો નેવું એ તો ફરી પાછું બીજે ઠેકાણે લાઇનમાં ઉભા રહેવાનું જ છે.

કાળુજી:       લો કરો વાત અનામતનું તો ખાલી નોમ જ સ.

પરમાર:     આમ, ચોફેર બેકારીનો બફારો હોય, એમાં કોક પીધેલ એવો લફરો ફૂટે કે અનામત કારણે સરવણોને નોકરીઓ મળતી નથી તો કોણ એનો વિરોધ કરે? હપ દઇને શીરાને જેમ વાત ગળે ઉતરી જાય કે નહીં?

કાળુજી:       તારી વાત સ હોના જેવી, પરમાર.

પરમાર:      આવા ટાણે ખુરસી પર બેઠેલા અને બેસવા માટે ટાંપીને બેઠેલા રાજકારણી ખડુસો સમજી ગયા છે, કે બેકાર યુવાનોને અનામતનો લઠ્ઠો પકડાવી દેવામાં જ માલ છે. લોકો માંહ્યોમાંહ્ય લડયા  જ કરે. શતરંજના ખેલાડીઓની રમતમાં પ્યાદા મરે તો જ ખેલ આગળ વધે. કોઇવાર કોંગી ભાજપને ચેક આપે તો કોઈ વાર ભાજપ કોંગીને ચેક આપે.

છનાભાઈ:     હેં પૈસાનો ચેક આપે?

પરમાર:    ચેક એટલે બરોબર જીતવાની અણી ઉપર પર આવવું તે.

છનાભાઈ:      પણ બેમાંથી કોઈ હાચેહાચ જીતે ખરું?

પરમાર:     જીતવાની જરૂર શું છે? સંસદીય લોકશાહીમાં ચૂંટણી ઢંઢેરાની તોપો, વચનોની બંદૂકો અને મુદ્દાઓના દારૂગોળા માત્ર હવામાં જ ફોડવાના હોય છે. શોષકોના અડ્ડાઓ પર બોંબ ફેંકવા માટે બંધારણે થોડું બનાવ્યું છે? આપણે તો અઢીસો વરસ લગી પૂરા દેશને ગાંડ તળે રાખનાર ધોળિયાઓને પણ માનભેર માદરે-વતનમાં મોકલ્યા છે. છનાભાઈ!

છનાભાઈ:   બહુ દુ:ખ થાય છે, પરમારભાઈ, આ બધું હાંભળીને કાળજામ છરીઓ વાગ છ. અમારા વાઘરીભઈના છીયા, દુનિયા આખી જાણ છ, ક ધાવણા થાય, સહેજ હેંડતા થાય એટલે ચાં જાય ખબર છ? સીધી ચાની કીટલીએ, અમારામ હારામાં હારી નોકરી ચાની કીટલીની ગણાય. હાથમાં કીટલી લઇને અમારા નાના નાના ભૂલકા દસ દસ, પંદર પંદર માળની બિલ્ડીંગ ચડ ન પાવલા ઘસી નાખ છ. જેને નોકરી ના મળ એ બૂટ પોલિસ કર છ. કોઈ શાકભાજી વેચ છ તો કોઈ દાંતણ વેચ છ અને અમુકની તો પોગીશન એવી છ પરમાર, તન શું વાત કરુ? કહેતા મારી જીભ ન ચીરા પડી જાય છે. અમુકને તો ભીખ માંગવી પડ છ ભીખ. આવી ખરાબ હાલત અમારા વાઘરીભઈની ને એમાં કોઈ માઇનો લાલ, મે’નતથી ભણીગણી જ્યો, આગળ વધી જ્યો ને એમાંનો કોઈ રડ્યો ખડ્યો દાકતર બની જ્યો ક વકીલ બની જ્યો એમ આમના ચયા ગરાસ લૂંટઈ જાય છે, પરમાર આટલું’ય ચમ સહન નઈ થતુ આમનાથી?

પરમાર:      ક્યાંથી સહન થાય, છનાભાઈ (પરમાર બોલે છે. અને બાકીના ત્રણ રિપીટ કરે છે.)

               આ નદીના કાંઠે વસે છે
               એ માણસો નથી.
               એમને પેટ નથી.
               હિન્દી મહાસાગર છે.
          આપણો પરસેવો વરસ્યા જ કરે, વરસ્યા જ કરે
               ને તોય ઓમ સ્વાહા, ઓમ સ્વાહા
               આપણાં ઝૂપંડા તૂટયા જ કરે, તૂટયા કરે
               ને તોય ઓમ સ્વાહા, ઓમ સ્વાહા
               આપણી ખાણો ખીણ થયા જ કરે, થયા જ કરે
               ને તોય ઓમ સ્વાહા, ઓમ સ્વાહા
        આપણા માંસલ સ્નાયુઓ ક્ષીણ થયા કરે, આ હાડકા ગળ્યા કરે
              ને તોય ઓમ સ્વાહા, ઓમ સ્વાહા
               એ લોકો બધું જ ખાઈ શકે છે.
               કેમકે આપણે
               ખાવા જવું થોડુંકેય
               નથી ઝુંટવી શકતા.


ત્રણ

પાત્રો

કાળુજી
છનાભાઈ
ભીમસીંગ
પરમાર

(એક ફેરીયો આવે છે. દોડતા દોડતા બોલે છે: ’અનામત
હટાવો’ પુસ્તીકા વાંચો. પ્રો.ચિન્મય પટેલે લખેલી, માત્ર બે
રૂપિયામાં, અનામત કારણે ગરીબ બનેલા સવર્ણોની દર્દીલી
દાસ્તાન વાંચો’ પરમાર ચોપડી ખરીદીને વાંચે છે. બીજી
તરફથી કાળુજી, છનાભાઈ અને ભીમસીંગ આવે છે.)

છનાભાઈ:    એ પરમારભાઈ, આ બતીના અજવાળે શું વાંચો છો, બાપલા, આંખો ખરાબ થઈ જશ, બધુ વાંચી વાંચીન.

કાળુજી:        સાનુ પતાકડુ શ એ તો કયો?

પરમાર:      ચોપડી છે. ’અનામત હટાઓ.’ લેખક છે કોક પ્રો. ચિન્મય પટેલ.

છનાભાઈ:     ચિસ્મય પટેલ!

પરમાર:       ચિસ્મય નહીં ચિન્મય.

કાળુજી:    અવ નામમ હું શ ભલા માણહ? ચિસ્મય ક ચિન્મય  બધુ હરખુ જ શ ન?

છનાભાઈ:   એ કાળુજી નામ તો જાણવું પડ, એ પટેલ, ફટેલ કે છટકેલ જે હોય એ રસ્તામા મળે તો ગપાગપ દેતા ફાવ.

કાળુજી:       ભૈ, આ ચોપડીમ લશ્યું શ હું એ કો’ન?

પરમાર:     એમાં લખ્યું છે, કે ’આપણી ભારતીય સંસ્કૃતિની એક મહાન પરંપરા છે’?

છનાભાઈ:   પડમ પડા? સંશરૂચતીની ? ન આપણી ભારતીય ? કાળુજી કઈં હમજ પડી?

પરમાર:   પરંપરા એટલે આગુસે ચાલી આતી હૈ વો. પ્રાણલિકા. રીવાજ. વહેવાર, એ ચિન્મય કે’ છે, આપણા ઘરમાં રોટલાનો ટુકડો વધ્યો હોય, તો આપણી મા, બહેન કે દીકરી એને કોઈ વાસણમાં ઢાંકીને મૂકે છે અને દરવાજે જ્યારે પણ કોઈ ભિખારી, કૂતરું કે માગણ આવે ત્યારે એને એ ટૂકડો આપે છે.

કાલુજી:     આપ સ ઈ વાત સાચી. પણ ઇન અનામત જોડ હું?

પરમાર:    ચિન્મય કે’ છે કે આઝાદી પછી હરીજન, આદિવાસી અને બક્ષીપંચની પછાત કોમો માટે ઉભી કરવામાં આવેલી અનામત પ્રથા પાછળ આવો જ ઉદેશ રહેલો છે.

છનાભાઈ:    અનામતના રોટલાના ટુકડા જોડે હરખાવે આ ચિસ્મય પટેલ?

કાળુજી:      અને એ તો ઠીક. આપણન કૂતરા, ભિખારી ન માગણ જોડ હરખાવ સ.

છનાભાઈ:    બઉ આઘાત લાગ છ, પરમાર. આ ચિસ્મય જેવો ભણેલો ગણેલો માણસ, આવું લખે? એને લગીરે શરમ ના આઈ આપણી અનામતન રોટલાના ટુકડા જોડ હરખાવતા.

         હવ હું તમન હાચેહાચી કાનોકાન હાંભળેલી એક વાત કહું. શાકભાજી વેચવા સરવણોની પોળમ માર રોજ જવાનું થાય. વખતે કોઈ અંદરોઅંદર લડતું હોય. હવ લડાઈજઘડા તો હૌની નાતમ હોય. તમારી નાતમંઈ બધા  લડતાં હશે. નૈ લડતા હોય?

પરમાર:       લડે છે.

છનાભાઈ:    હં પોળમ બધા અંદરો અંદર લડતા હોય તો એકબીજાન શું કે’ ખબર છ? કે આ વાઘરી જેવો બહુ લડ લડ કરી રીયો. હવ હોય તો એમનો ન એમનો જ વાણિયો બામણ ક પટેલીયો, ટૂંકમ સરવણ ના હું  કહું આમ વાધરી ચાંથી ટપકી પડ્યો. પેલા બોડર પર, શુ કે’એને ?

પરમાર:      બોર્ડર, સરહદ.

છનાભાઈ:    હં, ત્યાં સરહદ પર બધા લડે મશીનગનોમથી ધડાધડ ગોળીઓ છૂટે ને લાશોની લાશો પડે, શું બધા વાઘરી લડે છે? 
કાળુજી:        એ તો બધા જવાન કહેવાય

છનાભાઈ:    તો એમ કૈમ નૈ કે’તા, કે આ જવાન જેવો બઉ લડ લડ કરી રીયો? ને અમારા વાઘરીભઈનેજ બદનામ કરે આ લોકો.

પરમાર:       સાચી વાત છે તમારી

છનાભાઈ:    તમારી નાતનીય વાત છ પરમાર, મારી  પાહેં. આ કોઇઅ લાલ પાટલૂનન કાળુ શટ પેર્યુ હોય ન શટ અંદર ઘાલ્યું હોય, શું કે’ એન?

પરમાર:       ઇન કર્યુ હોય.

છનાભાઈ:    હોવ ઇન ક ફીન, ન માથામા તેલ બેલ નાંખી ન ગુચ્છો પાડયો હોય. દેવાનંદ જેવા રંગીન ચશ્મા પે’હર્યા હોય ગોગલ્સ જેવા, ન લટકમટક ચાલ ચાલતો હોય, તો શું કે’સ એન, ખબર છ? ’આ ઢેડ લાગ છ! અદ્દલ બીસી! હવ હોય તો એમનો જ એમનો સરવણ.

કાળુજી:        હાવ સાચી વાત.

છનાભાઈ:    ના ના મનકો! આમ ઢેડ ચાંથી ટપકી પડયો? હવ વાઘરી તો જાણ હમજ્યા અલુગુલેલ. પણ પેલા બચારા બાલ કાપનારાનય નૈં છોડ્યા આ લોકોએ તો.

કાળુજી:        ચમ?

છનાભાઈ:    અવ કોઈન બઉ બોલ બોલ કરવાની આદત હોય થોડીઘણી. ન પારકી પંચાત કરવાનીય ટેવ હોય. આ મન છ એમ હૌની નાતમ આવું કોઈ ન કોઈ માણસ તો હોય ન ભઈ?

પરમાર:      હોય દરેક નાતમાં હોય.

છનાભાઈ:    અવ એવો માણસ સરવણ જ હોય ન બઉ બોલ બોલ કરતો હોય, તો અને કે’સ, "આ ગાંયજા જેવો બઉ લપ્પન છપ્પન કરી રીયો" આમ ગાંયજો ચાંથી ટપકી પડ્યો?

             અવ કોઈ નાનુ છોકરું બઉ અવળચડું હોય, જરા જિદ્દી હોય તો અન કે’સ આ મિંયો છ મિંયો! તંગડી અદ્ધર રાખ છ? અવ મિંયો ભઈ ચાંથી આયો આમ? ના, ના, મન કો’ આ ઢેડ, વાઘરી, ગાંયજા, મિંયા બધાય હલકા છ તો શું એ લોકો જ ભાર છ?

કાળુજી:        એમન થોડા હલકા કરવા પડ હોં.

પરમાર:      તમે તો આજકાલની જ વાત કરી, છનાભાઈ, ૨૦મી સદીની. હું તમને ૨,૦૦૦ વર્ષ પહેલાની વાત કહું. તમે ક. મા. મુનશીનું નામ સાંભળ્યુ  છે?

છનાભાઈ:     ચયો મુન્શી ન ફુન્સી!

કાળુજી:       આખુ નામ કયો ન ભૈ?

પરમાર:   કનૈયાલાલ માણેકલાલ મુન્શી. ગુજરાતની અસ્મિતાની વાતો કરનાર સાહિત્યકાર. બહુ મોટા સાક્ષર થઈ ગયા.

છનાભાઈ:    રાક્ષસ? મારી દાદી નાનપણમ રાક્ષસની વાર્તોઓ બઉ કે’તી’તો હો.

પરમાર:      રાક્ષસ નહી, છનાભાઈ, સાક્ષર, લીટરેટ, ભણેલો. યુનિવર્સિટીમાંથી ડિગ્રીઓ લઇને આવ્યો હોય. બગલમાં થોથા હોય, ગોટપીટીયું અંગ્રેજી બોલતો હોય. થેક્યું ને સોરી કહેતો હોય.

છનાભાઈ:    હં, થેક્યું  ન સોરી તો મનય આવડ છ, હો.

પરમાર:     એના જેવું નૈ, અહીં આવીને લેક્ચર ફાડે એટલે બધા ઇમ્પ્રેસ થઈ જાય, આંખો ફાડીને જોયા કરે, ને તમારા જેવો ભોળિયો માણસ એની કાલીઘેલી બોલીમાં ભાંગ્યુ તૂટયું ગુજરાતી બોલે તો આ બધા દાંત કાઢે, એની મજાક ઉડાવે, પેલો માણસ ખોટું બોલતો હોય, તોય સાચું માને. સુટ, પેન્ટ, બૂટ, ટાઈ પહેરીને એ ગુણવત્તા, કુશળતાની વાતો કરે. પરદેશ જાય. કોમ્પ્યુટર લાવે, બધાને એકવીસમી સદીમાં લઈ જાય......

છનાભાઈ:     ચાં આઈ આ એકવીસમી સદી?

કાળુજી:       ન તમે ૨,૦૦૦ વરસ પહેલાની વાત કરતા’તા ઇનુ હું થયું?

પરમાર:      બાબત એમ હતી, કે આ ક. મા. મુન્શીએ લખી નવલકથા નામે 'ભગવાન પરશુરામ'. ૨૦૦૦ વરસ પહેલાનો સમય અને એમાં એક રાજાના મોઢામાં આ છનાભાઈ આજકાલ સવર્ણોની પોળમાં સાંભળે છે એવો ડાયલોગ મુન્શીએ મૂક્યો હતો, કહું?

કાળુજી:        કો’ કો’

પરમાર:      કે’ઘો મરવાની થાય એટલે વાઘરી વાડે જાય’

કાળુજી:       'લ્યા, ૨૦૦૦ વરસ પહેલા તારી ચી પેઢી હતી?

છનાભાઈ:    એ કાળુજી, આ ચીયો મુન્શી ક ફુન્સી મારી દેવી એનો ભોગ લે મોટો રાક્ષસ થૈ જ્યો ન ગુજરાતની ....ચી ? મન તો બોલતાય નૈ ફાવતું.

પરમાર:       અસ્મિતા 

છનાભાઈ:   એની વાત કરનાર, જેમના નામ ચોપડામ છપાયેલા છ એ અમારા વાઘરીભઈનું આવું અપમાન કર. એન ગુજરાતના નામે બોલવાનો શો અધિકાર છે? 

પરમાર:      આજકાલ  આવા જ ડોગલા માણસો ગુજરાતના નામે વાત કરે છે.

છનાભાઈ:    ના, ના. ગુજરાત કંઈ એમના બાપદાદાની ખાનગી પેઢી છે? ન મુન્શી જેવો ભણેલોગણેલો આવું ખરાબ કહી જયો, તો પાછળ આ સરવણોની હાવ અભણ વકરેલી વાનરસેના મેલી જયો સ એ શું નઈ બાચી મેલ?

પરમાર:      એ ભણેલા હોય કે અભણ પોતાને બહુ ઉંચા ઉજળિયાત ને સંસ્કારી માને છે. પાછા પોતાને મહાજન કહેવડાવે છે!

છનાભાઈ:   શેના ઉંચા ન સંસ્કારી આ લોકો? લાડવા ખઈ ખઈ ન પેટ વધાર ન પાછા કે’વાય શું? ભૂદેવ! તમારા-મારા જેવા ગરીબોનું લોહી ચૂસી ચૂસી વ્યાજવા પૈસા ધીરી ધીરી મોટા મહોલાતો ન બિલ્ડીંગો બનાઈ, કે’વાય શું માજન?! શેના માજન એ લોકો? એ માજન છ તો આપણે શું છોટાજન છીએ?

પરમાર:        ના, આપણે છોટાજન નથી, આપણે પણ માણસ છીએ એનું એમને ભાન કરાવી દેવું પડે.

કાળુજી:      હાડકા પાંહળા તોડી નાખવા પડ ઇમના.

પરમાર:     કોણ તોડે? શાસ્ત્ર ધારણ કરવાનો જેમને અધિકાર હતો. એ જ ક્ષત્રિયોને બનાવી દીધા ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ.

કાળુજી:       (માથુ ખંજવાળતા) ગઉભમણ પતિપાળ! કાંક ગુજરાતીમ હમજાય એવું બોલ, ભૈ પરમાર.

પરમાર:      પ્રતિપાળ એટલે રક્ષક. ગાય અને બામણની રક્ષા કરનાર. કેટલા ક્ષત્રિયો  પાળિયા બની ખોડાઈ ગયા આ બામણવાદની રક્ષા માટે એનો અંદાજ છે તમને?

કાળુજી:       મુઆ ખોડઈ જયા ઇમ માર ચેટલા ટકા? અમન કાંઈ સાલી'ણા આલ્યા નહીં સરકાર માબાપે. ધારાળાને તો બિટીશ ટેમમ લૂટોરું કોમ જાહેર કરેલી ઈ ખબર સ ?

છનાભાઈ:       અમારા વેડુવાઘરી નય ગુનેગાર બનાઈ દીધા’તા.

કાળુજી:     ઇમણે ફરજિયાત પોલિસ ચોકીમ જઈ હાજરી પુરાવવી પડ રોજ. ના, ના, મન ક્યો આમ આખી ન આખી કોમ ચઈ રીતે લુટારુ થઈ જઈ? લુટંફાટ કર ઈન જ ચોરી કે’વાય? વ્યાજે પૈસા આલીન દાગીના ઓળવી જાય ઇન હું કે’સો? દાડીએ બેલાઈ ન પછી મજૂરી ઓછી આલ ઇન હું કે’સો?

છનાભાઈ:    કાળુભા, આ લોકોએ દેશભક્તિ, તિયાગ, બલિદાન, સેવા, સમરપણ જેવા કાલા, ઠાલા ન પોકળ ખાલી ખોલા જેવા શબ્દો આપણા માથે માર્યા છ ન પાક્કો પાક્કો માલમલીદોતો એ લોક જ ખઈ જયા છ.

કાળુજી:       આપણી અગનાનતાનો ફાયદો ઉઠાયો.

છનાભાઈ:      ન આપણા લડતા રહ્યા અંદરો અંદર
.
પરમાર:      પોતે બધાથી ઉંચા એવું બામણો કહેતા. આપણે પોતેય એવું માનતા મનાવતા થયા.

કાળુજી:       હવે આ બામણવાદ ન જનાઇવઢ ઘા કરીએ તો જ મેળ પડ.

છનાભાઈ:    કોઇની હું શું વાત કરુ? પે’લા મારા નાતવાળાની જ વાત કરું, પે’લા મારી જ પોલ ખોલું. અમારા વાઘરીભઈની કેટલાય વરસોથી એની ઐજ પોગીસન છ. પરમારની નાતના તો થોડાકેય ભણ્યા ગણ્યા, સુધર્યા ન આગળ વધ્યા. અમારા વાઘરીભઇ છ ત્યાંના ત્યાં જ. એ જ બે રકાબી ન તૈણ તપેલી. આ પોગીસન હજુ બદલાઈ નથી. તોય અમારા લોકો આ પરમારની નાતવાળાથી અભડાય છ પણ, એમ એમનો લગીરે વાંક નથી. આ બામણોએ એમના મનમ એવું ભુસુ ભરાઈ દીધું. 'તમે સરવણ, તમે સરવણ' તે પોતાન હરીજનથી ઉંચા હમજતા થઈ જયા.... (કાળુજી માથુ ધુણાવે છે) અરે, કાળુજી! શું ભોડુ હલાવે તારું? તારી નાતવાળાય  આ પરમારની નાતવાળાથી અભડાય છ. ટણીમથી ન ટણીમથી હાથ બહાર કાઢતા નહીં.

કાળુજી:       ભૈ અમારા ઠાકોરભઈના મનમય વરસોથી આ ભુસું ભરાઈ જયુ’તુ. પણ અવ બધા હમજતા થ્યા સ હોં.

છનાભાઈ:   અવ આપણી નાતવાળા તો પરમારની નાતવાળાથી અભડાય એ તો ઠીક પણ પરમારની જ નાતના  અમુક લોકો પરમારની જ નાતનાથી જ અભડાય છ, કાળુજી. એક દાખલો છ મારી પાહેં. નાગોરીવાડના નાકે એક પટેલ દાક્તરનું દવાખાનું છ. મન બઉ પાછળથી ખબર પડી ક, આ પરમારની નાતનો જ છ. પરમારમાંથી પટેલ થઈ જયો, છો મુઓ રૂપિયા રળવા માટે થઈ જયો. પણ અફસોસ એ વાતનો છ, એ દાક્તર પરમારની નાતવાળાથી આઘો નાહ છ.

કાળુજી:       પરમારની નાતવાળા ન તો એવા આડા ન ઉભા વેતરી નાખ્યા સ. આ વણકર તો પેલો ચમાર. આ તૂરી તો પેલો સેનમો. આ ગરોડો તો પેલો ભંગી. એટલા ભાગ પાડ્યા સ, દિયોર કોઈ દી ભેળા જ ના થાય.

પરમાર:      અત્યાર સુધી ધર્મના નામે આ ભેદભાવ ચાલ્યા છે. હવે રાજકારણી ડુક્કરો ખોતરી ખોતરીને ઘા દુઝતો રાખે છે.

કાળુજી:       મેં એવું હાંભળ્યું, ક અંગરેજોએ આ હલાડો ઘાલ્યો સ.

પરમાર:      અંગ્રેજ બુદ્ધિશાળી કોમ. અહીં આવીને જોયું, કે ત્રણ હજાર નાતો હતી ને જાતજાતની ભાતો હતી. પછી એનો ઉપયોગ ના કરે એ મુર્ખો જ કહેવાય ને? 

કાળુજી:       મૂળે વાંક આપણો તો ખરો જ. પણ પાછુ એવું ય કે, સ ક મુસલમાનો આંઈ કણ આયા તારનો આ ભેદભાવ પડ્યો સ.

પરમાર:      મુસલમાનો આવ્યા એ પહેલા હિન્દુસ્તાનમાં સુવર્ણ યુગ હતો ને ઘી દૂધની નદીઓ વહેતી હતી, પણ કોના માટે? શુદ્રો-અતિશુદ્રો માટે તો એ સુવર્ણયુગ ધૂળ ને ઢેફા બરોબર જ હતો. દૂધ-દહીંની તો ઠીક પાણીની નદીથી પણ એમને વેગળા રાખવામાં આવ્યા હતા. કોઇએ આની નોંધ લીધી છે? દંભી ઇતિહાસ તો કહે છે, કે બામણો, વિદ્ધાન, શીલવાન, સંસ્કારી હતા. ભારતીય સંસ્કૃતિ અતિ ભવ્ય, અતિ પ્રાચીન અને અતિ સમૃદ્ધ હતી. થોડીક અસ્પૃશ્યતા હતી, કયાંક દેવદાસીની પ્રથા હતી.

કાળુજી:       આ ઇતિહાસેય બામણોએ લશ્યો સ ન, પરમાર?

પરમાર:      હા, આપણા કોરી સ્લેટ જેવા દિમાગમાં એ લોકો હજારો વર્ષથી બામણવાદની બારાખડી લખતા આવ્યા છે. વેદ, ઉપનિષદ, શ્રૃતિ, સ્મૃતિ, ગીતા, પુરાણ, રામાયણ, મહાભારત બધે ઠેકાણે આ બારાખડીએ આદરેલા કરતૂતની કરમકહાણી જોવા મળે છે.

કાળુજી:       કોઇએ  આ બારાખડી ભુંસવાનો વિચાર જ નૈ કર્યો? હજારો વરસ આ ડીંડવાણુ હાલ્યુ હોય ન કોઇએ ઇનું વારણ ના કર્યુ હોય ઇમ તો ના બને.

પરમાર:      કર્યું જ  છે વળી. ઓવારણા લેવાનું મન થાય એવું કાળુજી. પ્રાચીન સમયમાં બુદ્ધ અને મહાવીર થઈ ગયા. શ્રમણ પરંપરાના જયોતિર્ધરો. બુદ્ધે બહિષ્કૃત બહુજન સમાજને અષ્ટાંગ માર્ગ સૂચવ્યો. જનોઈ, ચોટલી, પાદુકા અને મંત્ર, યજ્ઞ, ધુમાડાને ધર્મ સમજતા લોકોને સન્માર્ગે વળ્યા.
કાળુજી:       પછ? 
પરમાર:   મધ્યયુગમાં આવ્યા કબીર, નાનક, તુકારામ, રોહીદાસ.

કાળુજી:       ઈ હંધાય તો સંત હતા.

પરમાર:      પછાત, અછૂત કોમના કારીગર વર્ગમાંથી આવેલા એ સંત કવિઓએ બામણવાદના ઝેરને પચાવી માણસવાદની વાત માંડી ને હિન્દુસ્તાનભરમાં હિન્દુ મુસલમાનો વચ્ચે સદભાવના સેતુ બાંધ્યા.

કાળુજી:      પછ?

પરમાર:      પછી મહારાષ્ટ્રમાં થયા જોતિબા ફૂલે. શેઠજી ભટજીના શોષણ સામે જેહાદ જગાવી રેશનાલિસ્ટ, બુદ્ધિનિષ્ઠ ચળવળનો પાયો નાંખ્યો અને મરાઠી ભાષાને લોકપ્રિય બનાવી.

કાળુજી:       પછ?

પરમાર:    પછી દક્ષિણમાં દ્રવિડી સંસ્કૃતિનો ઝંડો લઇને આવ્યા પેરીયર રામાસ્વામી નાયકર. નાતજાત સામે બગાવત કરીને તમિળ રાષ્ટ્રનો બુંગિયો બજાવ્યો.

કાળુજી:       પછ?

પરમાર:   પછી હિન્દુસ્તાનના જાતિવાદી રંગમંચ ઉપર પ્રથમવાર બાબાસાહેબ આંબેડકરનો પ્રાદુર્ભાવ થયો. દલિતોને જબાન આપી અને જાતિવાદના જુલ્મો સામે સિંહ પેઠે લડ્યા.

કાળુજી:      પછી આઝાદી આવી, કાળા કૂચડે રંગાયેલી. કાગળ પર અધિકારો મળ્યા. મુદ્દાઓ કૈ’ક આવ્યા, પણ સરવાળે તો મીંડુ જ રહ્યું. આપણને અનામતના ટુકડા મળ્યા પણ આપણે ત્યાં ના ત્યાં જ રહ્યા. દેશે પછાતપણામાં પ્રગતિ સાધી ને સવર્ણો સ્વાર્થી બન્યા.

કાળુજી:       અવ?

પરમાર:      હવે જાતિભેદ અને વર્ગ-ભેદ બંનેની સામે લડવું પડે. ઉંચનીચના ભેદ અને અમીર ગરીબના ભેદ મીટાવવા પડે.

છનાભાઈ:    આપણ તો ઉંચનીચના ભેદ જ હટાવો ન. અમીર ગરીબના ભેદ ના હટે તો વાંધો નહી.

પરમાર:      એ એક જ સિક્કાની બે બાજૂ છે. જેને જે દેખાય એની સામે વધુ જુસ્સાથી લડે. પણ એકને પડતુ મેલવાથી બીજી બાજુ કોકડુ ઉકેલાય એમ નથી.

કાળુજી:       આ ભેદ હટાવવા જઇએ તાંણ કોક ઇમ કે’હ ક આ તો વરગ વિગર વધારવાની વાત સ.

છનાભાઈ:    એ કાળુજી, એ લોક ન તો આપણ જાગરત થઇન આપણા અધિકાર માંગીએ એમય વરગ વિગર દેખાય છ. એટલ એની ચિંતા પડતી મેલ. ન ઉઠાય તારું ધારીયું. હું’ય લઉ દાતેડુ. ન પેલા ભીમસીંગ નય બોલાવો ન કો’ક તુંય બધા આદિવાસી ન ભેગા કર. ચડીયારું કાઢ. આપણ એક થઈ જઇએ. આ ચપટી લોઢું તો મુઠ્ઠીમાં મસળી નાંખીશું.

                                                (જાય છે.)                      

1 ટિપ્પણી: